Monday, May 6, 2013

ભારતીય મૂળની મૂક-બધિર નેહલ ભોગાઇતા બની 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ'


વોશિંગ્ટન, તા. 4
ભારતીય મૂળની બ્યુટી થેરપિસ્ટ નેહલ ભોગાઇતા 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધા જીતનાર પહેલી મૂક-બધિર બની ગઇ છે. નેહલના 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' બનવાની સાથે જ ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઇ ગયો છે. આ સ્પર્ધાના આયોજક અમેરિકન સંગઠન આઈએફસીના ઓર્ગેનાઇઝર ધર્માત્મા સરણે કહ્યું કે, 'નેહલે પોતાનાં જેવા બધિર અને વિકલાંગ લોકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડયું છે.' લિસેસ્ટરની રહેવાસી નેહલે ગત વર્ષે ઓક્ટોબરમાં મિસ ઇન્ડિયા યુકેનો ખિતાબ મેળવ્યો હતો. નેહલ લોકોના હોઠને જોઇને તથા પોતાની નાની બહેનની મદદથી વાતચીત કરે છે.
સાંભળી શકવામાં અસમર્થ હોવાં છતાં ધૂનનાં વાઇબ્રેશન પર જ તેણે ગયા અઠવાડિયે કુઆલાલંપુરમાં આયોજિત કરવામાં આવેલી 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધાના નેવર ગિવઅપ રાઉન્ડમાં એક બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો. આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી ભારતીય મૂળની ૪૦ યુવતીઓએ ભાગ લીધો હતો. મલેશિયાની જસવીરકૌર સંધૂ ફર્સ્ટ રનરઅપ અને ઓમાનની સુરભી સચદેવ સેકન્ડ રનરઅપ બની હતી. ટોપ ફાઇવમાં પહોંચનાર બીજી બે ફાઇનલિસ્ટ યુએઇની ગીતાંજલિ કેલાથ અને નાઇજિરિયાની આયુશી છાબરા હતી. ઈએફસીએ 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ'નાં આયોજનની શરૃઆત ૧૯૯૦થી કરી હતી.
 
 

No comments:

Post a Comment