Wednesday, February 6, 2013

ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક મેળવનારા ડો. હરગોવિંદ ખુરાના


મહાનુભાવ
અખંડ ભારતમાં જન્મેલા અને પછીથી અમેરિકા સ્થાયી થયેલા ભારતીય વિજ્ઞાની ડો. હરગોવિંદ ખુરાના ફિઝિયોલોજી અને બાયોલોજીના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. અહીં ડો. ખુરાનાના જીવન અને કાર્ય વિશે થોડી જાણકારી મેળવીએ
ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ પંજાબના રાયપુરમાં (હાલ પાકિસ્તાનમાં) ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ એક સાધારણ પરિવારમાં થયો હતો.
ડો. હરગોવિંદ ખુરાનાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુલતાનમાંથી લીધું હતું. પિતાએ ગરીબ પરિસ્થિતિ સામે લડીને પણ ડો. ખુરાનાને વધુ શિક્ષણ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.
પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૩માં
ડો. ખુરાનાએ બેચલરની ડિગ્રી મેળવી અને ૧૯૪૩માં કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક પણ થઈ ગયા.
અનુસ્નાતક થયા બાદ બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા આ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પણ મેળવી લીધી.
ત્યારબાદ ૧૯૫૨ સુધી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહીને સંશોધનકાર્ય આરંભ્યું. વચ્ચે ઝુરિક અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટી સાથે પણ કામ કર્યું.
તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુકિલયોટાઈડ્ઝની ભૂમિકા પર મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું.
સંશોધન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરીને ડો. ખુરાના અને તેમની ટીમે પુરવાર કર્યું હતું કે બાયોલોજિકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગનિઝમ માટે કોમન છે અને આ સંશોધન માટે તેમને ૧૯૬૮માં ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
૧૯૭૦માં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં બાયોલોજી અને કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
૮૯ વર્ષની વયે ૯ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમેરિકામાં તેમનું નિધન થયું હતું.