Monday, May 6, 2013

ભારતીય મૂળની મૂક-બધિર નેહલ ભોગાઇતા બની 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ'


વોશિંગ્ટન, તા. 4
ભારતીય મૂળની બ્યુટી થેરપિસ્ટ નેહલ ભોગાઇતા 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધા જીતનાર પહેલી મૂક-બધિર બની ગઇ છે. નેહલના 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' બનવાની સાથે જ ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઇ ગયો છે. આ સ્પર્ધાના આયોજક અમેરિકન સંગઠન આઈએફસીના ઓર્ગેનાઇઝર ધર્માત્મા સરણે કહ્યું કે, 'નેહલે પોતાનાં જેવા બધિર અને વિકલાંગ લોકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડયું છે.' લિસેસ્ટરની રહેવાસી નેહલે ગત વર્ષે ઓક્ટોબરમાં મિસ ઇન્ડિયા યુકેનો ખિતાબ મેળવ્યો હતો. નેહલ લોકોના હોઠને જોઇને તથા પોતાની નાની બહેનની મદદથી વાતચીત કરે છે.
સાંભળી શકવામાં અસમર્થ હોવાં છતાં ધૂનનાં વાઇબ્રેશન પર જ તેણે ગયા અઠવાડિયે કુઆલાલંપુરમાં આયોજિત કરવામાં આવેલી 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધાના નેવર ગિવઅપ રાઉન્ડમાં એક બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો. આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી ભારતીય મૂળની ૪૦ યુવતીઓએ ભાગ લીધો હતો. મલેશિયાની જસવીરકૌર સંધૂ ફર્સ્ટ રનરઅપ અને ઓમાનની સુરભી સચદેવ સેકન્ડ રનરઅપ બની હતી. ટોપ ફાઇવમાં પહોંચનાર બીજી બે ફાઇનલિસ્ટ યુએઇની ગીતાંજલિ કેલાથ અને નાઇજિરિયાની આયુશી છાબરા હતી. ઈએફસીએ 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ'નાં આયોજનની શરૃઆત ૧૯૯૦થી કરી હતી.
 
 

અપરાજિતા દત્તાને અપાયો ગ્રીન ઓસ્કાર એવોર્ડ


વોશિંગ્ટન, 4 મે 
વન્યજીવનના જીવવિજ્ઞાાની અપરાજિતા દત્તાએ પક્ષી બચાવો અભિયાન દ્વારા ભારતમાં હોર્નબિલ નામનાં પક્ષીને બચાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. અરૃણાચલપ્રદેશમાં હોર્નબિલને બચાવવાનું ઉમદા કામ કરનાર અપરાજિતાને ગ્રીન ઓસ્કાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયાં છે.
દત્તાએ હોર્નબિલ નામનાં પક્ષીની પાંચમાંથી બે જાતિને પૂર્વ હિમાલયમાં શોધી કાઢી હતી અને પ્રાણીવિજ્ઞાાનની દૃષ્ટિએ અસુરક્ષિત પક્ષીઓને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. દત્તા લુપ્ત થઈ રહેલાં બ્રાઉન હોર્નબિલ અને રયુફસ ગરદનવાળાં હોર્નબિલ પર અધ્યયન કરી રહી છે. દત્તાએ કરેલા સરવે અનુસાર હોર્નબિલની સુંદર ચાંચ અને તેનાં પીંછાંઓને લીધે તે માણસોનો શિકાર બન્યું છે. 
આ પક્ષી ખાસ કરીને પૂર્વ હિમાલયનાં જંગલોમાં જ રહે છે અને કીડા તેમજ અંજીર તેમનો મુખ્ય આહાર છે. આ પક્ષીઓની વિલુપ્તતાનું એક કારણ તે પણ હોઈ શકે છે કે, ૧૮ સદીમાં અહીંયાં મોટાભાગનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. દત્તા ૧૯૯૬થી મૈસુરમાં શરૃ કરવામાં આવેલી એનસીએફ નામની એક એનજીઓ માટે દસ વર્ષથી એક સિનિયર વૈજ્ઞાાનિક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. કુલ આઠ જીવવિજ્ઞાાનીઓને આ એવોર્ડમાં એનાયત કરવામાં આવ્યો છે જેમાં દત્તાનો પણ સમાવેશ થાય છે. ડબલ્યૂએફએનને અનુસાર, ડો. દત્તાએ પક્ષીઓની આબાદીની સ્થિતિમાં સુધારો કરવા માટે તેમને અનુકૂળ અને સુરક્ષિત એરિયાની સ્થાપના કરવાની માગણી કરી છે.

Wednesday, May 1, 2013

રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યાં : સંદેશના દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી


નવી દિલ્હી, તા. ૨૦
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમા આજે જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બે પદ્મવિભૂષણ અને ૩૮ પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારોની ઘાોષણા ગણતંત્ર દિવસે કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિદ અંસારી, વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. 
રાજેશ ખન્ના, નાના પાટેકર, બૉક્સર મેરીકૉમ અને બ્રમ્હોસ મિસાઈસના પ્રણેતા એ. શિવતાણુને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશ ખન્ના અને જસપાલસિંહ ભટ્ટીને તેમની મૃત્યુ બાદ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કપાડિયાએ તે પુરસ્કાર લેવા ઉપસ્થિત રહી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યોગપતિ આદિ ગોદરેજ, ઓલમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, વિજય કુમાર, અભિનેતા નાના પાટેકર,ડિઝાઇનર રીતુ કુમાર, પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હા, આંતરાષ્ટ્રીય નિષ્ણાંત અને પ્રખ્યાત ચિત્રકાર સયૈદ હૈદર રઝા, સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તે સાથે જ પ્રોફેસર સત્ય નધમ અત્લુરી, એરોસ્પેસ નિષ્ણાંત ડૉ. મહારાજ કિશન ભાણ, શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુસ રસીદ ખાન, રિપ્લેસમેન્ટ સર્જરીના અગ્રણી ડૉ. નંન્દકિશોર શામરાઓ, સંપાદક

માલાસિંહાનું અપમાન! ફાળકે એવોર્ડનો કર્યો બહિષ્કાર


મુંબઈ 01, મે
ભારતીય સીનેમાજગતની દિગ્ગજ અને જાજરમાન અભિનેત્રી માલાસિંહાએ હાલમાં જ યોજાયેલા દાદાસાહેબ ફાળકે એવોર્ડનો બહિષ્કાર કર્યો હતો. મંગળવારે યોજાયેલા એવોર્ડ સમારંભમાં તેમણે ભાગ લીધો નહોતો, તેમણે જણાવ્યું કે હું દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારીશ નહીં. ફાળકે એવોર્ડ કમિટી દ્વારા મારું અપમાન કરવામાં આવ્યું છે. એક તરફ તેઓ કલાકારોને આ ઉચ્ચ કોટીનો એવોર્ડ આપે છે અને બીજી તરફ તેમનું અપમાન પણ કરે છે. ફાળકે કમિટીના સભ્યો જ્યારે મને એવોર્ડ વિશે વાત કરવા આવ્યા ત્યારે મને આનંદ થયો હતો કે મને આ એવોર્ડ મળવાનો છે પણ જ્યારે તેમણે મને આમંત્રણપત્રિકા આપી તો તેમાં મારું નામ જ નહોતું, તેને કારણે મને આઘાત લાગ્યો છે, તેમણે ખરેખર મારી સાથે મોટો અન્યાય કર્યો છે, તેમાં ફાળકે એવોર્ડના વિજેતાઓની યાદી હતી પણ તેમાં મારું નામ ક્યાંય નહોતું. મને એમ લાગે છે કે આ રીતે મારું અપમાન કરવા કરતાં તેમણે મને લાફો મારી દીધો હોત તો મને એટલું ખોટું ન લાગ્યું હોત. મહત્ત્વની વાત એ છે કે તેમની અદાકારી અને સૌંદર્યને કારણે તેમને ૬૦ના દાયકમાં હોલિવૂડમાંથી પણ ફિલ્મ માટે ઓફરો આવતી હતી.

Wednesday, February 6, 2013

ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક મેળવનારા ડો. હરગોવિંદ ખુરાના


મહાનુભાવ
અખંડ ભારતમાં જન્મેલા અને પછીથી અમેરિકા સ્થાયી થયેલા ભારતીય વિજ્ઞાની ડો. હરગોવિંદ ખુરાના ફિઝિયોલોજી અને બાયોલોજીના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. અહીં ડો. ખુરાનાના જીવન અને કાર્ય વિશે થોડી જાણકારી મેળવીએ
ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ પંજાબના રાયપુરમાં (હાલ પાકિસ્તાનમાં) ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ એક સાધારણ પરિવારમાં થયો હતો.
ડો. હરગોવિંદ ખુરાનાએ તેમનું પ્રાથમિક શિક્ષણ મુલતાનમાંથી લીધું હતું. પિતાએ ગરીબ પરિસ્થિતિ સામે લડીને પણ ડો. ખુરાનાને વધુ શિક્ષણ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.
પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૩માં
ડો. ખુરાનાએ બેચલરની ડિગ્રી મેળવી અને ૧૯૪૩માં કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક પણ થઈ ગયા.
અનુસ્નાતક થયા બાદ બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા આ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પણ મેળવી લીધી.
ત્યારબાદ ૧૯૫૨ સુધી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહીને સંશોધનકાર્ય આરંભ્યું. વચ્ચે ઝુરિક અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટી સાથે પણ કામ કર્યું.
તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુકિલયોટાઈડ્ઝની ભૂમિકા પર મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું.
સંશોધન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરીને ડો. ખુરાના અને તેમની ટીમે પુરવાર કર્યું હતું કે બાયોલોજિકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગનિઝમ માટે કોમન છે અને આ સંશોધન માટે તેમને ૧૯૬૮માં ફિઝિયોલોજીનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
૧૯૭૦માં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં બાયોલોજી અને કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
૮૯ વર્ષની વયે ૯ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમેરિકામાં તેમનું નિધન થયું હતું.

Wednesday, January 16, 2013

૧૨ નોમિનેશન સાથે 'લિંકન' ઓસ્કારની રેસમાં આગળ

Jan 10, 2013


કેલિફોર્નિયા, તા. ૧૦
૨૪મી ફેબ્રુઆરીએ હોલિવૂડના ડોલ્બી થિયેટર પરથી ૮૫મા ઓસ્કાર એવોર્ડનું જીવંત પ્રસારણ   
૮૫મા ઓસ્કાર એવોર્ડ માટે જુદી જુદી શ્રેણીનાં નામાંકનોની ગુરુવારે જાહેરાત કરાઈ હતી. સિવિલ વોર પર બનાવાયેલી ફિલ્મ લિન્કને બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને એક્ટર સહિત ૧૨ જેટલી જુદી જુદી શ્રેણીમાં નોમિનેશન પ્રાપ્ત કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. બેસ્ટ પિક્ચર માટે નોમિનેટ કરાયેલી ફિલ્મોમાં મોટી ઉંમરનાં લોકોના પ્રેમસંબંધ પર આધારિત ફિલ્મ એમર, ઇરાન પર આધારિત ફિલ્મ આર્ગો, બીસ્ટ ઓફ સાઉધર્ન વાઇલ્ડ, ડેન્ગો અનચેઇન્ડ, લેસ મિઝરેબલ્સ, લાઇફ ઓફ પાઇ, સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક અને ઓસામાબ બિન લાદેનને ઠાર મારવા હાથ ધરાયેલાં ઓપરેશન આધારિત ફિલ્મ ઝીરો ડાર્ક થર્ટીનો સમાવેશ થાય છે.
લિંકન ફિલ્મમાં ગુલામીપ્રથા નાબૂદ કરવા માટે અબ્રાહમ લિંકને કરેલા ૧૩મા સુધારાને પસાર કરવાની વાત વણી લેવાઈ છે. ઓસ્કારમાં બેસ્ટ એક્ટર માટે નોમિનેશન મેળવનાર લિંકન ફિલ્મના હીરો ડે લેવિસે અદ્ભુત અભિનય આપ્યો હતો. ડે લેવિસની સાથે બેસ્ટ એક્ટર માટે નોમિનેશન પ્રાપ્ત કરનારા બ્રૂડલી કૂપરે ફિલ્મ સિલ્વર લાઇનિંગ પ્લેબુકમાં માનસિક રોગીની ભૂમિકા ભજવી છે, જે તેનું જીવન પાછું મેળવવા ખૂબ જ સંઘર્ષ કરે છે.
બિન લાદેન પર આધારિત ફિલ્મ ઝીરો ડાર્ક થર્ટી માટે અભિનેત્રી જેસિકા કાસ્ટેને બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશન પ્રાપ્ત કર્યું હતું જ્યારે સિલ્વર લાઇનિંગ પ્લેબુકમાં જેનિફર લોવરન્સે મુશ્કેલીમાં ફસાયેલી વિધવા મહિલાની ભૂમિકા ભજવી હતી. બીજી બાજુ બેસ્ટ સર્પોટગ એક્ટ્રેસ માટે ધ માસ્ટરમાં અભિનય બદલ એમી એડમ્સનું નોમિનશન કરાયું હતું. ૨૪મી ફેબ્રુઆરીએ હોલિવૂડના ડોલ્બી થિયેટર પરથી ઓસ્કાર એવોર્ડ સમારંભનું એબીસી ચેનલ જીવંત પ્રસારણ કરશે.
એન્ડ ધ નોમિનિઝ આર...
બેસ્ટ ફિલ્મ
(૧) આર્મર
(૨) બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ
(૩) જેન્ગો અનચેઇન્ડ
(૪) લેસ મિઝરેબલ્સ
(૫) લિન્કન
(૬) લાઇફ ઓફ પાઈ
(૭) સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૮) ઝીરો ડાર્ક થર્ટી
બેસ્ટ એક્ટર
(૧) ડેનિયલ ડે લ્યૂઇસ-લિંકન
(૨) બ્રેડલી કૂપર-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) હ્યુ જેકમેન-લેસ મિઝરેબલ
(૪) જેક્વિન ફિનિક્સ-ધ માસ્ટર
(૫) ડેનઝેલ વોશિંગ્ટન-ફ્લાઇટ
બેસ્ટ એક્ટ્રેસ
(૧) જેસિકા ચેસ્ટિન-ઝીરો ડાર્ક થર્ટી
(૨) જેનિફર લોરેન્સ-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) ઇમાન્યુએલા રિવા-આર્મર (સૌથી વૃદ્ધ અભિનેત્રી)
(૪) ક્વીનઝાને વાલિસ-બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ (સૌથી નાની)
(૫) નાઓમી વોટ્સ-ધ ઇમ્પોસિબલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
(૧) એલન આર્કિન-આર્ગો
(૨) રોબર્ટ ડી નીરો-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) ફિલિપ સેમોર હોફમેન-ધ માસ્ટર
(૪) ટોમી લી જોન્સ-લિન્કન
(૫) ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ-જેન્ગો અનચેઇન્ડ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
(૧) એમી એડમ્સ-ધ માસ્ટર
(૨) સેલી ફિલ્ડ-લિંકન
(૩) એન હેથવે-લેસ મિઝરેબલ
(૪) હેલન હન્ટ-ધ સેશન્સ
(૫) જેકિ વિવર-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
બેસ્ટ ડિરેક્ટર
(૧) મિશેલ હેનેક-આર્મર
(૨) બેન્હ ઝેટલિન-બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ
(૩) એન્ગ લી-લાઇફ ઓફ પાઈ
(૪) સ્ટીવન સ્પિલબર્ગ-લિન્કન
(૫) ડેવિડ ઓ રસેલ-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક